વલસાડ : વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં નવરાત્રી દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ગરબા રમ્યા બાદ 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Decision News ને મળેલી માહિતી ફલધરા ગામના એક ફળિયામાં સ્થાનિક યુવક-યુવતીઓ અને ગ્રામજનો નવરાત્રીના ગરબા રમી રહ્યા હતા. ગરબાના ઇનામ વિતરણ સમારોહ દરમિયાન આ યુવકે એક રાઉન્ડમાં ઇનામ પણ જીત્યું હતું.ઇનામ જીત્યાની ખુશીમાં યુવકો અને ગામના લોકો ડાન્સ કરી રહ્યા હતા, તે દરમિયાન 24 વર્ષીય યુવકને છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેણે પોતાના મિત્રોને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને ઘરે આરામ કરવા ગયો હતો.

યુવક ઘરે પહોંચતા જ ઢળી પડયો હતો. પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ યુવકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાનું અનુમાન લગાવ્યું હતું. આ આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી પરિવારજનો અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.