ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકાના ડેહલી ગ્રામ પંચાયતના શમશાનમાં મૃતદેહના અંતિમસંસ્કારને લઈ ગંભીર વિવાદ ઊભો થયો છે. મૃતકના પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ, ગામના શમશાનમાં અંતિમસંસ્કાર કરવા જતાં તેમની સામે અડચણો ઉભી કરવામાં આવી હતી, જેના કારણે અંતિમવિધિમાં માનસિક પીડા સહન કરવી પડી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી મનીષભાઈ નવીનભાઈ હળપતિ દ્વારા મામલતદારશ્રી, ઉમરગામને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

27, સપ્ટેમ્બર ના રોજ ભીલાડ રેલ્વે ટ્રેક ઉપર એક ઘટના બની હતી જેમાં એક પરપ્રાંતીય યુવક મૃત્યુ પામ્યો હતો, મૃત્યુ થયા પછી એના પરિવારજનો દ્વારા અંતિમસંસ્કાર ની વિધિ માટે મૃતદેહ ને ડેહલી ગ્રામ પંચાયત ના સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ડેહલી ગ્રામ પંચાયત પૂર્વ ઉપસરપંચ તથા હાલ ના સભ્ય એવા દોલત ભાઈ પટેલ તથા તેમની ટીમના સભ્યો દ્વારા અંતિમસંસ્કાર કરવા માટે ના પાડી અને સ્મશાનગૃહમાંથી મૃતદેહને બહાર લઈ જવા માટે દબાણ આપવામાં આવ્યું તથા અંતિમસંસ્કાર કરવા માટે ના પાડી, ત્યારબાદ મૃતક ના પરિવારજનો દ્વારા ભીલાડ સ્મશાનગૃહમાં મૃતકનું અંતિમસંસ્કાર કરવામાં આવ્યું હતું જેને લઈને આમ આદમી પાર્ટી મેદાનેમાં આવી છે અને તાલુકા પ્રમુખ દ્વારા ઉમરગામ મામલતદાર ને કરાઈ લેખિત રજૂઆત કરાઈ છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 297 મુજબ, જાહેર કબ્રસ્તાન કે શમશાનમાં મૃતદેહને દફનાવવાની કે અંતિમવિધિ કરવાની ક્રિયામાં અવરોધ કરવો ગંભીર ગુનો ગણાય છે. તેમ છતાં ડેહલી ગામના શમશાનમાં મૃતદેહના અંતિમસંસ્કાર માટે અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો, જે માનવ અધિકાર અધિનિયમ, 1993 હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

આ રજૂઆતમાં માગણી કરવામાં આવી છે કે,

1. શમશાનમાં મૃતદેહના અંતિમસંસ્કાર કરતી વખતે રોકનાર સામે કાયદેસર ગુનાની નોંધણી કરી કડક કાર્યવાહી કરવામાં આવે.

2. ભવિષ્યમાં આવી માનવતાવિહોણી ઘટના ન બને તે માટે તાલુકા પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવે.
3. મૃતકના પરિવારજનોને માનસિક ન્યાય અને સામાજિક સુરક્ષા આપવા જિલ્લા કક્ષાએથી જરૂરી પગલાં લેવાય.

તાલુકા પ્રમુખ મનીષભાઈ હળપતિ દ્વારા વધુમાં જણાવવામા આવ્યું કે, “મૃતકના અંતિમવિધિ કરવી એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે.જો શમશાનમાં અવરોધ ઉભો કરવામાં આવે તો તે કાયદેસર ગુનો છે. આવી માનવ અધિકાર વિરોધી ઘટનાઓથી સમાજમાં અશાંતિ ફેલાય છે. પ્રશાસને કડક પગલાં લેવાની જરૂર છે.”

આ રજૂઆત મામલતદાર કચેરીએ સ્વીકારી છે અને મામલો હાલ તપાસ હેઠળ છે. સ્થાનિક સ્તરે આ ઘટનાએ ચર્ચા જગાવી છે અને લોકોમાં અસંતોષનું વાતાવરણ જોવા મળે છે. ગામના શમશાનમાં આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની જનતા માગણી કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here