વલસાડ: વલસાડ શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે વલસાડના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ અધિનિયમ-1951ની કલમ-33ની પેટાકલમ-1(બી) હેઠળ જાહેરનામું બહાર પાડયું છે.
જાહેરનામા મુજબ 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 દરમિયાન દરરોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રેલ્વે ઓવરબ્રિજ-આર.પી.એફ. ગ્રાઉન્ડથી કલ્યાણ બાગ સુધીના માર્ગ પર ભારે વાહનોનું આવન-જાવન પ્રતિબંધિત રહેશે.આ પ્રતિબંધમાંથી કેટલીક શ્રેણીના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. તેમાં એમ્બ્યુલન્સ, શબવાહિની, GSRTC બસો, અન્ય સરકારી વાહનો, સ્કૂલ-કોલેજની બસો, ફાયર બ્રિગેડના વાહનો અને રોડ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા વાહનોનો સમાવેશ થાય છે.ડાયવર્ઝન વ્યવસ્થા મુજબ, સુરતથી વલસાડ તરફ આવતા ભારે વાહનો દિવસ દરમિયાન ને.હા.48 કુંડી ફાટક ચોકડી થી લીલાપોર ચોકડી સુધી આવી શકશે.વલસાડ શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં.
સરોધી ચોકડી અને નાની સરોણ તરફથી ડિસ્કાર્ડેડ રોડ થઈ વલસાડ શહેર તરફ પ્રવેશ પણ પ્રતિબંધિત રહેશે.વાપીથી વલસાડ આવતા ભારે વાહનો દિવસ દરમિયાન અતુલ-પારનેરા રોડથી વશીયર-ડી માર્ટ થઈ સેગવી મારફતે તિથલ તરફ જઈ શકશે, પરંતુ તેઓ પણ વલસાડ શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં.ધરમપુરથી વલસાડ આવતા ભારે વાહનો દિવસ દરમિયાન ધરમપુર ચોકડી સુધી જ આવી શકશે, પરંતુ વલસાડ શહેરમાં તેમના પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધનો મુખ્ય હેતુ રોડ નિર્માણ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને શહેરમાં ટ્રાફિક નિયમન સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય તે છે.

