વલસાડ: વલસાડ જિલ્લામાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે વલસાડ, ઉમરગામ અને કપરાડા તાલુકાના 23 ગામોમાં કુલ 86 ખેડૂતો પ્રભાવિત થયા છે. ખેતીવાડી વિભાગના સર્વે મુજબ, 40.90 હેક્ટર ડાંગર અને 7 હેક્ટર આંબાવાડીઓને નુકસાન થયું છે.
વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને DDO અતિરાગ ચપલોતના નેતૃત્વ હેઠળ જિલ્લાની વિવિધ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેતીવાડી અને બાગાયત વિભાગની ટીમોએ આ નુકસાનનો અંદાજ લગાવ્યો હતો.સર્વે મુજબ, વલસાડ તાલુકાના 7 ગામોમાં 37 ખેડૂતોની 11.50 હેક્ટર જમીનમાં ડાંગરના પાકને નુકસાન થયું છે.
આ ઉપરાંત, 7 હેક્ટર જમીનમાં આવેલી આંબાવાડીઓને પણ અસર થઈ છે. ઉમરગામ તાલુકાના 9 ગામોમાં 27 ખેડૂતોની 26 હેક્ટર જમીનમાં ડાંગરને નુકસાન થયું છે. જ્યારે કપરાડા તાલુકાના 3 ગામોમાં 10 ખેડૂતોની 3.40 હેક્ટર જમીનમાં ઉભા ડાંગરના પાકને નુકસાન થયું છે. આમ, કુલ 23 ગામોમાં 86 ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે, જેમાં 40.90 હેક્ટર જમીનમાં ડાંગરના પાકને અને 7 હેક્ટર આંબાવાડીઓને નુકસાન થયું છે.

