વલસાડ: વલસાડ જિલ્લામાં ગતરોજ ભારે પવન અને વરસાદને કારણે ગરબા આયોજકોના મંડપ અને ડોમને નુકસાન થયું હતું. આ ઘટના બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. ડી. ચુડાસમાએ તમામ નવરાત્રિ આયોજકોને સ્ટ્રકચર સ્ટેબિલિટી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું પુનઃસર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા સૂચના આપી છે.
વલસાડના તડકેશ્વર મંદિરના મેદાનમાં ગોકુલગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવના ડોમ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને ભારે નુકસાન થતાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જિલ્લાના અન્ય સ્થળોએ પણ ભારે પવન અને વરસાદને કારણે ડોમ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને નુકસાન થયું હોવાના અહેવાલ છે.જિલ્લામાં આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. આ સંજોગોમાં કોઈ અકસ્માત અને જાનમાલને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. ડી. ચુડાસમાએ જણાવ્યું છે કે, નવરાત્રી ગરબા પ્રિમાઇસીસના તમામ મંડપ, સ્ટેજ, ડોમ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની પુનઃ ચકાસણી કરાવી સક્ષમ ઓથોરિટીનું સ્ટ્રકચર સ્ટેબિલિટી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ પુનઃ મેળવ્યા બાદ જ ગરબાનું આયોજન કરવાનું રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ગરબા આયોજક ઉપરોક્ત ખાતરી કે સર્ટિફિકેટ મેળવ્યા વગર ગરબાનું આયોજન કરશે અને કોઈ જાનમાલની નુકસાની થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે આયોજકની રહેશે.

