ડેડિયાપાડા: લોકોના પ્રશ્નોને લઈને 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત રાજપીપળામાં કલેક્ટર કચેરી ખાતે આયોજનની બેઠકમાં હાજર રહેલા ચૈતર વસાવાએ બેઠક ચાલુ થતા પેહલા જ કલેક્ટરની ઓફિસમાં જઈ કહ્યું કે મિટિંગમાં CCTV અને લાઈવ રેકોર્ડિંગ કરનાર એક વ્યક્તિને હાજર રાખવામાં આવે મને ડર છે કે પૂર્વ આયોજિત કાવતરાના ભાગ રૂપે ફરીથી મને ખોટા કેસોમાં ફસાવી શકાય છે.
હાજર કર્મચારીઓને કહ્યું કે આ રૂમમાં કાચની પાણીની બોટલ અને કાચનો ગ્લાસ મૂકતા નહી, બાકી મને ખોટી રીતે ફસાવશે. બેઠક પૂર્ણ થયા બાદ ચૈતર વસાવાએ કહ્યું કે આજે 13 કરોડ FRAના કામોનું અને 60 કરોડ ગુજરાત પેટર્ન યોજનાના કામનું આયોજન હતું. અમારા જેવા લોકપ્રતિનિધિઓના કામો મંજુર કરવાની જગ્યાએ બહારની એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેથી અમે કલેક્ટરને આજ સાંજેના છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું કહ્યું છે.
મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની બાંહેધરી પણ કલેક્ટરે આપી છે. લોક ઉપયોગી કામોનો સમાવેશ નહીં કરાય તો કલેકટર કચેરીએ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરીશું. હું રાજપીપળા ભાડાના મકાનમાં રહીને પ્રજાના કામો કરીશ. નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને કહ્યું છે કે કોઈ ભાડે મકાન હોય તો કહેજો.

