વલસાડ: વલસાડ જિલ્લાના બલિઠા હાઇવેના સર્વિસ રોડ પર એક વાહન ખાડામાં ફસાયું છે. ભારે વરસાદને કારણે બિસ્માર બનેલા રસ્તાઓ પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જિલ્લામાંથી પસાર થતો 62 કિલોમીટર લાંબો NH 48 અને મોટાભાગના મુખ્ય રસ્તાઓ ભારે વરસાદને કારણે ખરાબ હાલતમાં છે. હાઇવે અને સર્વિસ રોડની કફોડી હાલત વાહનચાલકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે.

વાહનચાલકો બગવાડા ટોલ પ્લાઝા પર રોજ લાખો રૂપિયાનો ટોલ ચૂકવે છે. Decision News ને મળેલી જાણકારી મુજબ વાપી નજીક બલિઠા પાસેના ખાડામાં એક વાન ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે વાહનચાલક પ્રયાસ કરી રહ્યો હતો. વાહનચાલકો માગ કરી રહ્યા છે કે, NHAIના કોન્ટ્રાક્ટરો હાલના સૂકા વાતાવરણનો લાભ લઈને રસ્તાઓને મોટરેબલ બનાવવા માટે જરૂરી કામગીરી કરે.

સર્વિસ રોડ પર ભરાયેલા વરસાદી પાણીને દૂર કરીને ખાડાઓનું પુરાણ કરવામાં આવે અને તમામ સર્વિસ રોડને વાહન ચલાવવા યોગ્ય બનાવવામાં આવે તેવી માગ ઉઠી છે.આ સર્વિસ રોડ પર પાણી ભરાયેલું હોવાથી વાહનો પાણીમાંથી પસાર થતી વખતે ખાડામાં ફસાઈ જાય છે, જેનાથી વાહનોને નુકસાન થાય છે. વાહનચાલકોની માગ છે કે, NHAI તાત્કાલિક તમામ સર્વિસ રોડનું સમારકામ કરે અને ત્યારબાદ મુખ્ય માર્ગનું સમારકામ હાથ ધરે.