વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી પસાર થતી પાર નદી પરનો લો લાઇન બ્રિજ ધોવાઈ ગયો છે. જેને કારણે 8 થી 10 ગામોના આશરે 15,000 લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વર્ષ 2005માં લોકોની અવરજવર માટે ગુજરાત સરકારે આ લો લાઇન બ્રિજનું નિર્માણ કર્યું હતું. જોકે, દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે આ બ્રિજ ડૂબી જાય છે અને રસ્તો ધોવાઈ જાય છે, જેનાથી સ્થાનિકોને મુશ્કેલી પડે છે.
બ્રિજ ધોવાઈ જવાને કારણે ઢાંકવળ, નાંદગામ, માની, મોહનાકાઉચાળી, ચિચપાડા, ટોકરપાડા, ધામણી સહિત મહારાષ્ટ્રના 8 થી 10 ગામોના લોકોને અસર થઈ છે. લોકોને 20 થી 22 કિલોમીટરનો લાંબો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે.આ વારંવાર બનતી સમસ્યાને લઈને ગ્રામજનોએ અગાઉ અનેકવાર ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને ઊંચો બ્રિજ બનાવી આપવા રજૂઆત કરી હતી.બ્રિજ ધોવાઈ ગયા બાદ ગ્રામજનોએ જાતે જ શ્રમદાન કરીને કામચલાઉ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે બ્રિજનું કામ શરૂ કરી સમસ્યાના નિરાકરણની માંગ કરી છે અને જો માંગ સંતોષાશે નહીં તો માર્ગ અને મકાન વિભાગની કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, પાર નદી પર કુલ સાત લો લાઇન બ્રિજ આવેલા છે. આ વિસ્તારમાં રસ્તા માટે 52 કરોડ અને સાત બ્રિજ માટે 76 કરોડ મળી કુલ 128 કરોડ રૂપિયાના ખર્ચે કામોને સરકારે મંજૂરી આપી છે.ધારાસભ્યના જણાવ્યા અનુસાર, આ કામો માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અંદાજે દિવાળી પછી તમામ કામો શરૂ કરી દેવામાં આવશે.











