દક્ષિણ ગુજરાત: બીલીમોરા રેલ્વે સ્ટેશન પર કોરોના કાળ પહેલા મુંબઈ લોકલ, વિરાર શટલ, ફિરોઝપુર જનતા, સુરત-વિરાર મેમુ વગેરે ટ્રેનો ઉભી રહેતી હતી જેના લીધે અપડાઉન કરતી મધ્યમવર્ગીય પ્રજા નહિવત ખર્ચે આવાગમન કરી શકતી હતી તે ટ્રેનો ફરી શરુ કરવા માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયે અપડાઉન કરતી સામાન્ય પ્રજા માટે આશિર્વાદરૂપ ટ્રેનો બંધ કરી દેવાતા અનેક પેસેન્જરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. વારંવારની રજૂઆતો છતાં ટ્રેનો પાછી ચાલુ નહીં કરાતા મુસાફરોને ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની બેંચમા પીઆઇએલ દાખલ કરેલ જેમાં તે સમયના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેંચ સમક્ષ પશ્ચિમ રેલવેએ કોરોના કાળ દરમ્યાન બંધ કરવામાં આવેલ ટ્રેનો ખુબ જ ટૂંક સમયમાં પુન: ચાલુ કરીશું એવી એફિડેવિટ કરી ખાતરી આપેલ હતી,અને એ વાતને 3 વર્ષ પૂર્ણ થવાને આરે હોવા છતાં નફ્ફટ રેલ્વે તંત્રએ આજદિન સુધી એ ટ્રેનો ચાલુ કરેલ નથી.આથી રોજિંદા અપડાઉન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહેલ છે.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે રેલ્વે તંત્રની આડોડાઇના લીધે અનેક યાત્રીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.આ બાબતે પેસેન્જરોની વખતોવખત રજૂઆતો આવતી રહી છે. વલસાડ-નવસારીના યાત્રીઓ ઉત્તરમાં વડોદરાથી લઈને દક્ષિણમાં મુંબઈ સુધી અપડાઉન કરતા હોય છે ત્યારે લોકલ ટ્રેનોની ઓછી સંખ્યામાં ઉપલબ્ધ હોવાથી પેસેન્જરોએ પાંજરાપોળના પશુઓ કરતા બદતર હાલતમાં દબાઈ દબાઈને અથવા ખર્ચાળ ટ્રાન્સપોર્ટેશનમાં વધુ રૂપિયા ખર્ચી અપડાઉન કરવા મજબુર બનવું પડે છે. પરંતુ નફ્ફટ રેલ્વે તંત્રના પેટનું પાણી પણ હાલતુ નથી.મુંબઈમાં થોડા સમય પહેલા ઓવરલોડેડ ટ્રેનમાં અકસ્માતે કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવેલ હતો પરંતુ રેલ્વેતંત્ર આવી વારંવાર બનતી ઘટનાઓથી બોધપાઠ નથી લેતું.બીલીમોરા રેલ્વે સ્ટેશન પર લિફ્ટની પણ સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી શારીરિક માનસિક દિવ્યાંગો, વયોવૃદ્ધ, ગર્ભવતી મહિલાઓ ભારે તકલીફોનો સામનો કરી રહેલ છે. રેલ્વે તંત્ર સ્થાનિક નેતાગીરી કે પેસેન્જરોની રજુઆતો કે હાઇકોર્ટને પણ ગણકારતુ નથી. વેસ્ટર્ન રેલવે પોતાનું કર્તવ્ય નિભાવી નથી રહ્યું તો આ બાબતને સરકાર અને ઉચ્ચ ન્યાયાલય ગંભીરતાથી લઇ યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે.

