વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામમાં નવરાત્રિ દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે પોલીસે અનોખી પહેલ કરી છે. વલસાડના એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની સી-ટીમે ખાસ ઓપરેશન હાથ ધર્યું છે.મહિલા પોલીસકર્મીઓએ ચણિયાચોળી પહેરીને વિવિધ શેરી ગરબામાં હાજરી આપી હતી.

જાગૃતિ ફેલાવવા યુવતીઓના છુપી રીતે વીડિયો અને ફોટા પાડતા શખ્સોને રંગેહાથ પકડયા હોવાનો વીડિયો બનાવ્યો હતો. પોલીસ નવરાત્રી દરમિયાન કેવી કાર્યવાહી કરી રહી છે તે અંગેનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં માત્ર લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે.

વલસાડ પોલીસની સી-ટીમ સાદા કપડામાં નવરાત્રિ મહોત્સવના તમામ સ્થળોએ નજર રાખી રહી છે. યુવતીઓની છેડતીની ઘટનાઓને અંકુશમાં લાવવા માટે પોલીસે આ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ગરબા રમતી યુવતીઓના ગેરકાયદે વીડિયો રેકોર્ડિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.