નવસારી: નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. અંબિકા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વહીવટી તંત્રે ગણદેવી તાલુકાના 20થી વધુ ગામો અને બીલીમોરા નગરપાલિકા વિસ્તારના રહીશોને સાવચેત રહેવા અપીલ કરી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી શાળાઓ અને આંગણવાડીઓના બાળકોને તાત્કાલિક રજા આપવાનો નિર્ણય લેવાયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વહીવટી તંત્રે નદીની આસપાસના કાંઠા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપી છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

