વલસાડ: વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગદ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 18 ટીમો કામગીરીમાં જોડાઈ છે. આ ટીમોમાં 138 શ્રમિકો કાર્યરત છે. કામગીરી માટે 12 જેસીબી, 6 ટ્રેક્ટર, 3 ટ્રી કટર અને 12 ગ્રાસ કટરનો ઉપયોગ કરી રહ્યો છે.
કાર્યપાલક ઈજનેર જે.કે. પટેલના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. વલસાડ, પારડી, વાપી, ધરમપુર, ઉમરગામ અને કપરાડા તાલુકાના મુખ્ય માર્ગો પર ડામર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. સાથે જ જંગલ કટિંગ અને ગેરુ-ચૂનો જેવા કાર્યો પણ હાથ ધરાયા છે.
વિભાગની તકનિકી ટીમો સ્થળ પર સર્વે કરીને યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ વાહનચાલકોને સુરક્ષિત અને સરળ મુસાફરી પૂરી પાડવાનો છે. આગામી દિવસોમાં પણ વરસાદથી નુકસાન પામેલા તમામ માર્ગોની મરામત ચાલુ રહેશે.

