નવસારી: નવસારી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 10 કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે 14 SHE ટીમ તૈનાત કરવામાં આવશે.આ ટીમો ગરબા સ્થળોની અંદર અને બહાર, આંતરિયાળ રસ્તાઓ, અવાવરુ જગ્યાઓ અને પાર્કિંગ સ્થળો પર પેટ્રોલિંગ કરશે.
કોમર્શિયલ ગરબા સ્થળો પર 12 હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવશે, જ્યાં મહિલા પોલીસકર્મીઓની પણ નિમણૂક કરવામાં આવશે.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કુલ 1062 સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમાં 1 SP, 3 Dy.SP, 27 PI, 20 PSI, 510 પોલીસકર્મી અને 501 GRD/SRD/HGનો સમાવેશ થાય છે.
દશેરા/વિજયાદશમીના દિવસે જિલ્લામાં 4 શોભાયાત્રા અને 40 રાવણ દહનના કાર્યક્રમો યોજાશે. ખેરગામ અને વાંસદામાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. LCB અને SOGની વિશેષ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે અલગ ટીમની રચના કરવામાં આવી છે. સોસાયટી, શેરીઓ અને ફ્લેટ્સમાં યોજાતા ગરબા સ્થળો પર પણ નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવશે.

