પાલનપુર: ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ગેરરીતિઓ, વરસાદ બાદ રાહત કામગીરીનો અભાવ અને ભૂસ્તર વિભાગ પરના આક્ષેપો વગેરે મુદ્દાઓ પર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરી હતી અને સરકાર પર વિવિધ આરોપો લગાવ્યા હતા 

સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભારતમાલા પ્રોજેક્ટ જમીન સંપાદનમાં સુખી અને સગવડ ધરાવતા લોકો અને કોન્ટ્રાક્ટરોએ ટૂંકા સમયમાં જ જમીન ખરીદીને તેને સંપાદન માટે યોગ્ય કરાવી દીધી હતી. બનાસકાંઠામાં પાલનપુર કે અન્ય કોઈ સિટી એરિયામાં પ્રતિ ચોરસ મીટરની જંત્રી ₹1,000 થી વધુ નથી, તેમ છતાં આ પ્રોજેક્ટ માટે જમીનનું મૂલ્યાંકન ₹4,000 થી ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવામાં આવ્યું છે, જે ગંભીર ભ્રષ્ટાચાર સૂચવે છે.

ભારે વરસાદને કારણે થયેલા નુકસાન વિષે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, લોકોને મુખ્યમંત્રી પાસેથી મદદની આશા હતી, પરંતુ તે ઠગારી નીવડી છે. ‘સરકાર અને વહીવટી તંત્રએ માત્ર મીડિયામાં ફોટા પડાવીને અને તાળીઓ પડાવીને સરહદી પંથકને ભગવાન ભરોસે છોડી દીધા છે’.