સુરત: રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના આદિજાતિ વિસ્તારોમાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણનો સ્ત્રોત બની છે. આ યોજના હેઠળ સુરત જિલ્લામાં 96 હજારથી વધુ બાળકો અને માતાઓને લાભ મળ્યો છે. આદિવાસી વિસ્તારના બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં આ યોજના થકી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.આ યોજના રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2006-07માં શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2017 સુધીમાં તેનો વ્યાપ રાજ્યના દરેક આદિજાતિ તાલુકા સુધી વધારવામાં આવ્યો છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને માતાઓમાં પ્રોટીન તથા સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ દૂર કરવાનો છે.સુરત પ્રાયોજના વહીવટદાર સુનિલના જણાવ્યા અનુસાર, દૂધ એક સંપૂર્ણ આહાર છે.આ યોજના દ્વારા બાળકોમાં વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષાર તત્ત્વોની ઉણપ દૂર કરી શકાય છે. તેના પરિણામે બાળકોની તંદુરસ્તી, હોશિયારી અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો છે.સુરત જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં આ યોજનાનો વ્યાપ નોંધપાત્ર રહ્યો છે.
સુમુલ ડેરી દ્વારા ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ બાળકોને સ્વાદ સાથે પોષણ મળે તે માટે 200 મિ.લી.ના પાઉચમાં ખાસ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ તૈયાર કરવામાં આવે છે. આ દૂધ ઇલાયચી, રોઝ, મેંગો અને બટરસ્કોચ જેવા ચાર ફ્લેવરમાં વિટામીન A અને D ઉમેરીને આપવામાં આવે છે.સમગ્ર ગુજરાતમાં, 14 જિલ્લાના 53 તાલુકાઓમાં 9 હજારથી વધુ શાળાઓના 11 લાખથી વધુ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

