નવસારી: નવસારીના વાંસદામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે ચૂંટણીની BLO કામગીરી માટે શિક્ષકોની નિમણૂંક સામે વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘના પ્રતિનિધિઓએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે.શિક્ષકોને BLO તરીકેની નિમણૂંક માટે હાર્ડ કોપીને બદલે સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર મોકલવામાં આવે છે.
ચૂંટણી વિભાગ દ્વારા નોટિસ અને સૂચનાઓ પણ સોશિયલ મીડિયા મારફતે અપાય છે. જોકે, સોશિયલ મીડિયા દ્વારા અપાતી કામગીરીને માન્યતા નથી મળતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.વિશેષ ચિંતાનો વિષય એ છે કે સરકારી પરિપત્ર મુજબ મુખ્ય શિક્ષક, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકોને BLO કામગીરીમાંથી મુક્તિ આપવાની જોગવાઈ છે.
આમ છતાં તેમને પણ BLO તરીકે નિમણૂંક આપવામાં આવી રહી છે. એક કિસ્સામાં લકવાગ્રસ્ત શિક્ષકને પણ આ કામગીરી સોંપવામાં આવી છે.શિક્ષકોનું કહેવું છે કે BLO કામગીરીથી શાળાના શૈક્ષણિક કાર્યને નુકસાન થાય છે. વાંસદાના શિક્ષકોએ આ મુદ્દે યોગ્ય સુધારા માટે રજૂઆત કરી છે અને તેને ગંભીરતાથી ધ્યાને લેવા માંગ કરી છે.

