પારડી: પારડી તાલુકાના ઉદવાડાગામે ગત રાત્રે તસ્કરોએ ઇરાનશાહ રોડ પર આવેલા બયુ જમશેદ વિલા બંગલામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે કોઈ કિંમતી સરસામાન હાથ ન લાગતા તસ્કરો ખાલી હાથે પરત ફર્યા હતા.ગુરૂવારે સાંજે 6 વાગ્યે બંગલાની દેખરેખ રાખતી જમનાબેને લાઇટ ચાલુ કરી બંગલાને તાળું મારી બંધ કર્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ શુક્રવારે સવારે 7.30 કલાકે જ્યારે તેઓ લાઇટ બંધ કરવા આવ્યા ત્યારે જોયુ તો બંગલાના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો પાછળના દરવાજાનું તાળું કોઈ તીક્ષ્ણ સાધનથી કાપીને તોડેલુુ હતું. ઘરમાં પ્રવેશી જોતા નીચે અને ઉપરના બેડરૂમમાં કબાટનો સરસામાન વેરવિખેર હતો.

જમનાબેને કોન્ટ્રાક્ટર જયેશ કાચાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા અને આ બાબતે જયેશે બંગલાના માલિક કૈઝાદ ભરૂચા હાલ રહે મુંબઈને કોલ કર્યો પણ કોઈ કિંમતી સામાન ચોરાયુ ન હોવાનું જણાતા બાંગલા માલિકના કહેવાથી કોન્ટ્રાકટરે પારડી પોલીસમાં ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ ચાલુ કરી છે.