ઝઘડિયા: ગુમાનદેવ ફાટકથી રાજપારડી સુધીના સ્ટેટ હાઇવે પર ધૂળ ઉડતી હોવા છતાં તંત્રએ પાણી છાંટવાની તસદી સુધ્ધા લીધી ન હતી. ધૂળના કારણે રોડ પર ઝીરો વિઝિબીલીટીનો માહોલ રહેતો હોવાથી ગુમાનદેવ પાસે એક ગમખ્વાર અકસ્માતમાં આધેડ મોપેડ ચાલકે જીવ ગુમાવી દીધો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મોપેડ પર જતાં આધેડને પાછળથી આવેલાં હાઇવાએ ટકકર મારતાં તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતા હૈદર મલેક ગત શુક્રવારના રોજ સવારના સમયે ગુમાનદેવ નજીકથી પસાર થઇ રહ્યા હતાં. તે દરમિયાન પાછળથી આવતી એક હાઇવા ટ્રક તેમની મોપેડ સાથે પાછળથી ટકકર મારી હતી. મોપેડ આખું હાઇવા નીચે આવી ગયું હતું.ગંભીર ઇજાના પગલે મોપેડ સવારનું સ્થળ પર જ મોત થયું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ખરાબ રસ્તા અને બેફામ ચાલતા ઓવરલોડ ટ્રકચાલકના કારણે અકસ્માત વધી રહયાં છે. એક મહિનામાં જ પાંચ લોકોએ જીવ ગુમાવી દીધાં છે જયારે પાંચથી વધારે ઇજાગ્રસ્ત થયાં છે.ગુમાનદેવ ફાટકથી રાજપારડી સુધીનો રસ્તાની હાલત એકદમ ખરાબ છે. સતત વાહનોની અવરજવરના કારણે ધૂળ ઉડી રહી છે જેના કારણે વાહનચાલકો નજીકનું પણ જોઇ શકતાં નથી. ધૂળને રોકવા માટે તંત્ર પાણીનો છંટકાવ પણ કરતું નથી.

