નવસારી: નવસારીના વિરાવળ પર પુર્ણા નદીના બ્રિજ પર ગણેશ વિસર્જન પૂર્ણ થતાની સાથે જ ગર્ડર લગાવી દીધી છે અને સાથે જ વિસર્જનના અગાઉ હટાવવામાં આવેલ બમ્પને પણ ફરીથી બનાવી દેવામાં આવ્યા છે. તો બ્રિજ પર વધુ બે મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, પણ આથી બસમાં નવસારી-સુરત અપ-ડાઉન કરતા વિદ્યાર્થી અને મુસાફરોનો સમયનો વેડફાટ થઈ રહ્યો છે. જેના પર તંત્રએ ધ્યાન કેન્દ્રિત કરવાનું જરૂરી બને છે.
નવસારીના પુર્ણા નદીના બ્રિજ પર ભારે વાહનોને પ્રતિબંધ કરતું જાહેરનામું વધુ બે મહિના માટે લંબાવી દેવામાં આવ્યું છે. જેના કારણે દરરોજ નવસારીથી સુરત અને સુરતથી પરત નવસારી આવતા છાત્રો અને નોકરી પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિજ પર બસની અવરજવર બંધ થતાની સાથે જ છેલ્લા ઘણા મહિનાથી બસને નવસારીથી જૂનાથાણા થઈ હાઈવેથી કસ્બા કે વેસ્માથી લઈ જવામાં આવે છે. આ ચકરાવાને લઈને આશરે 1 કલાક વધુ સમય લાગી રહ્યો છે. જેના કારણે છાત્રોને કોલેજ અને નોકરી કરનારાને સવારે વહેલા નિકળવું પડે છે અથવા પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શકતા નથી.

