વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી પાવરગ્રીડ ખાતે આતંકવાદી હુમલા અને બંધક પરિસ્થિતિનો સામનો કરવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાતની પ્રથમ રિસ્પોન્ડિંગ ટીમ ચેતક કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. રાજ્યના મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ મોકડ્રીલ યોજાઈ હતી.જેમાં અધિકારીઓને બંધક બનાવવાની અને તેમને સુરક્ષિત મુક્ત કરાવવાની પ્રેક્ટિસ કરવામાં આવી.
મોકડ્રીલના દૃશ્ય મુજબ, કાળા રંગની નંબર વિનાની સ્કોર્પિયોમાં આવેલા ચાર આતંકવાદીઓએ પાવરગ્રીડના પ્રવેશદ્વાર પર ફાયરિંગ કરીને એક ગાર્ડને ઇજાગ્રસ્ત કર્યો હતો. ત્યારબાદ તેઓ કંટ્રોલ રૂમમાં ઘુસી ગયા અને ચેરમેન સહિત બે ડિરેક્ટરોને બંધક બનાવ્યા હતા. Decision News ને મળેલી માહિતી મુજબ આતંકવાદીઓએ ચોપર, સાબરમતી જેલમાં કેદ બે આતંકવાદીઓને મુક્ત કરવાની અને 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી આપવાની માંગણી કરી હતી.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ, એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ અને ચેતક કમાન્ડોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ચેતક કમાન્ડોના DySP બી.કે. ગુંદાણી અને PI એન.ડી. પટેલના નેતૃત્વ હેઠળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કમાન્ડોની વ્યૂહાત્મક કામગીરીના પરિણામે, ત્રણેય બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જોકે, આ એક મોકડ્રીલ હતી. આ સમગ્ર અભ્યાસ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી.

