નવસારી: નવસારી હાઇવે રોડ પર ધોળાપીપળા નજીક બે હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ટ્રકના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.મળતી માહિતી અનુસાર ધોળાપીપળાથી આમરી તરફ જતા સ્ટેટ હાઇવે પર આ અકસ્માત થયો હતો.
ટ્રક નંબર GJ-21-Z-3964 ના ચાલક મનજીતસિંગ સરોજે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેમની ટ્રક ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રક નંબર GJ-21-W-9379 સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક રહીશો, રાહદારીઓ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ટ્રકની કેબિનમાં ફસાયેલા બંને ડ્રાઇવરોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ટ્રક GJ-21-W-9379 ના ચાલક અરુણ મદન મોહન ભારતી (ઉં.વ. 45, રહે. હજીરા, મૂળ બિહાર)નું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.બીજી ટ્રકના ચાલક મનજીતસિંગ શ્રીનાથ સરોજ (ઉં.વ. 32, રહે. ડીંડોલી, મૂળ ઉત્તરપ્રદેશ)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે નવસારી રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

            
		








