આમોદ: દેશભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા આવે તે પહેલા કોઈ શખસ ત્યા કચરો ફેંકી રહ્યો હતો. જેનો વીડિયો એક શખસે ઉતારી લીધો હતો. ત્યારે કેમેરો જોતાં જ સફાઈ કર્યા વગર જ પાલિકાની ટીમ રવાના થઈ ગઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખે જ રોડ પર કચરો પથરાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.બીજી બાજુ આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે, આ કચરો અમારા જાણ બહાર નાખી દીધો હતો, પરતુ અમને ખબર પડતા જ અમે બહાર ચાલી નીકળ્યા હતા અને બહારના ભાગે સફાઈનો કાર્યક્રમ કર્યો હતો.આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે કે, આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ.

આ અંગે યુથ કોંગ્રેસના કેતન મકવાણાએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, આમોદ નગરપાલિકા કંપાઉન્ડમાં સફાઈ કર્મીઓએ સફાઈ કરી હતી. પરતુ તેમ છતાંય આમોદ પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ દ્વારા ફોટો શૂટ કરાવવા માટે જાણી જોઈને ત્યાં કચરો નંખાવે છે. આમોદ નગરપાલિકામાં એક તરફ ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં પણ આવી જ રીતે સફાઈ ફોટો સેશન જ કરી રહ્યા છે. તેના બદલે આમોદની જે પરિસ્થિતિ છે તેના માટે યોગ્ય પગલા ભરો.