નવસારી: નવસારી શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર ક્ષીપ્રા આગ્રેને શહેરના જર્જરીત રસ્તાઓ અંગે આવેદન આપ્યું છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેર, વિજલપુર શહેર અને બાર ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં નેશનલ હાઈવે પણ આવેલો છે.
શહેરના મુખ્ય રસ્તાઓમાં ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ, નવા બસ ડેપોથી તિઘરા જકાતનાકા, પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક, યશફીન હોસ્પિટલથી કમેલા રોડ સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે. મોઠવાડ મોહલ્લો, કહારવાડ અને તરોટા બજારના રસ્તાઓ પણ ખરાબ હાલતમાં છે.ચોમાસા પહેલા મોટાભાગના રસ્તાઓનું રિકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરોના કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠયો હતા.
મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન રસ્તાઓના રિપેરિંગ માટે મોટી રકમ ખર્ચી છે. પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બિનઅસરકારક કામગીરીને કારણે આ રકમ વ્યર્થ ગઈ હોવાનું જણાય છે. કોંગ્રેસે માંગ કરી છે કે જર્જરીત રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

