નવસારી: નવસારીમાં જાહેર માર્ગ પર બનાવવામાં આવેલ સર્કલની જાળવણી ન કરાતા જર્જરીત તો બન્યા છે પણ તેની અંદર મૂકાયેલ ફૂવારા પણ કાર્યરત ન રહેતા તંત્રએ પ્રજાના પૈસાનું પાણી કર્યું છે. આ બાબતને લઇને વારંવાર તંત્રની બેદરકારીને વખોડીને અહેવાલ સ્વરૂપે પ્રસિદ્ધ કર્યા બાદ પાલિકા તંત્રે સફાઇ અભિયાનની શરૂઆત કરી છે.
નવસારીમાં શહેરની શોભા વધારવા માટે સમયાંતરે વિવિધ જગ્યાએ સર્કલ બનાવવામાં આવ્યા પણ સર્કલની જાળવણી કરવામાં આવી નહીં. વધુમાં જેટલા સર્કલમાં ફૂવારા લગાવાયા તે પણ ચાલુ નથી અથવા તો જર્જરીત બની જવા પામ્યા છે. તો વરસાદી પાણીનો સર્કલમાંથી નિકાલ ન થતા લીલના થર જામી ગયા છે.
આ અંગે અવારનવાર સફાઇ કરવા સુચન કરતા અહેવાલ પ્રસિદ્ધ કર્યા અને અંતે પાલિકાએ પરમાર હોસ્પિટલ પાસેના ફૂવારાની સફાઇ શરૂ કરી હતી. જેમાં જમા પાણીને ખાલી કરી લીલના થરને સાફ કરાઇ હતી. ઘણા સમય બાદ સફાઇ કરવામાં આવતા મોટા પ્રમાણમાં લીલ એકત્ર કરી પીપમાં ભરી લઇ જવામાં આવી હતી.

