ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામના 23 વર્ષીય આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસમાં ગત સપ્તાહે મોત બાદ હરકતમાં આવેલ આરોગ્ય વિભાગ દ્વારા 4 ટીમ બનાવી જરૂરી સર્વે કરી તકેદારીના ભાગરૂપે ઘરે ઘરે જઇ ડોક્ષીસાયકલીન ગોળી પીવડાવી હતી.ચીખલીના કણભઇ ગામના 23 વર્ષીય આશાસ્પદ યુવાન થોડા દિવસ પૂર્વે તાવમાં સપડાતા શરૂઆતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
વલસાડ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત સપ્તાહે મોત નિપજ્યું હતું. ચીખલી તાલુકાના કણભઇ ગામના 23 વર્ષીય યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસના કારણે મોત નિપજ્યું હોવાના તારણ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા મૃતક આશાસ્પદ યુવાનના જરૂરી સેમ્પલ લઇ શકાયા ન હતા.
પ્રાથમિક તબક્કે શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ જણાતા ફડવેલ પીએચસીના સ્ટાફ દ્વારા ગત સપ્તાહમાં જ કણભઇ ગામના આંબા ફળિયા વિસ્તારના ઘરે ઘરે સર્વે કરી તકેદારીના ભાગરૂપે 1326 લોકોને ડોક્ષીસાયક્લિન ગોળી પીવડાવાઇ હતી.કણભઇ ગામમાં અમારા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર અને સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ જરૂરી સર્વે કરી 1326 લોકોને રૂબરૂમાં ડોક્ષીલાયક્લીન ગોળી પીવડાવવામાં આવી છે. જરૂરી સર્વે દરમિયાન ગામમાં કોઈપણ વ્યક્તિને તાવ ન હોવાનું બહાર આવ્યું છે.

