અંકલેશ્વર: પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી આગ પછી રાત્રે ફરી આગ લાગવાની ઘટના બની છે. કંપનીની ટોલ્વીન ટેન્કમાં પ્રથમ વખત સવારે અચાનક આગ લાગી હતી. આ આગે પળવારમાં સમગ્ર કંપનીને પોતાની ચપેટમાં લીધી હતી.
પ્રથમ આગની ઘટનામાં દસથી વધુ ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સતત અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે, રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરિયલને કારણે ફરીથી આગ ભભૂકી ઊઠી હતી.
આગની બીજી ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ગભરાટનો માહોલ સર્જ્યો હતો. આસપાસના રહેવાસીઓએ સલામતીના પગલાં રૂપે પોતાના ઘરો ખાલી કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું. સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપની સંચાલકોને સાવચેતીના પગલાં રૂપે ફાયર ટેન્ડરને સતત સ્ટેન્ડબાય રાખવાનો આદેશ આપ્યો છે.

