વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના તીઘરા ગામે ઉગમણા ફળીયામાં રહેતા ચંપકભાઈ,પ્રવીણભાઈ અને વારસભાઈના માતૃશ્રી તારાબેન નાનુભાઈ પટેલનું ટૂંકી બીમારીમાં સારવાર દરમ્યાન અવસાન થતાં ત્રણેય પુત્રો દ્વારા વિસરાયેલી આદિવાસી સંસ્કૃતિ પુન:જીવિત કરવાના ભાગરૂપે મરણ પ્રસંગે દિયાડાની વિધિ કરવામાં આવી હતી.
આ વિધિમાં મરણોત્તર સ્વજન માટે આદિવાસી ભગતો દ્વારા પ્રકૃતિના પાંચ મૂળભૂત તત્ત્વોની પૂજા કરવામાં આવે છે અને મૃતક અને સમસ્ત જીવસૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.આ વિધિ માટે ગામના આગેવાનો મુકેશભાઈ પટેલ, માજી સરપંચ છનાભાઇ પટેલ,જનકભાઈ પટેલ સહિતનાઓએ પરિવારને માર્ગદર્શન પુરુ પાડેલ હતું અને ભગત તરીકે ધર્મેન્દ્ર પટેલ અને અનિલભાઈ પટેલ,પ્રેમાભાઈ નાયકા ઉપસ્થિત રહ્યા હતાં અને પરંપરાગત વાજાવાજીંત્ર માટે સંતોષભાઈ,મંગુભાઇ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં યુથ લીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિના ખોળે ઉછરનાર અને પર્યાવરણનું રક્ષણ કરનાર રહ્યો છે.આદિવાસીઓને ભારતીય બંધારણે આદિવાસીઓને આરક્ષણ આદિવાસીઓની અસ્મિતા અને સંસ્કૃતિના આધારે આપવામાં આવેલ છે.પરંતુ આધુનિકતાના રંગે રંગાયને આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ અને વિધિ પરંપરાઓ ભૂલી રહ્યા છે. લોકુર કમિટીની ભલામણ અનુસાર દરેક આદિવાસીઓને પોતાના જન્મ,લગ્ન,મરણ સહિતની વિધીઓ અને પોતાની બોલી,વાજાવાજીંત્રો,દેવો વિશે માહિતી હોવી ફરજીયાત છે. મહારાષ્ટ્રમાં એફિનિટી ટેસ્ટ ફરજીયાત હોવાને લીધે ત્યાંનો આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ વિશે ખુબ જ જાણકાર છે જયારે ગુજરાતના આદિવાસીઓમાં પોતાના ભવ્ય ઇતિહાસની જાણકારીના અભાવે પોતાની સંસ્કૃતિ અને સમાજ પ્રત્યે થોડી નાનપ અનુભવવાની વૃત્તિ હજુસુધી ગઈ નથી.તીઘરા ગામના સ્વ.તારાબેન નાનુભાઈના પરિવારજનો અને ગામના આગેવાનોની પહેલને હું આવકારું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં અંધશ્રદ્ધા પાછળ થતાં ખોટા ખર્ચાઓમાંથી બહાર આવી આદિવાસી સમાજ સતકાર્યોમાં ઉદાહરણરૂપ બનશે.

