વલસાડ: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ગતરોજ બપોરે એક અજબ ઘટના સામે આવી છે. વાપીથી સેલવાસ માર્ગ પર ભડક મોરા નજીક દારૂના નશામાં ધૂત એક યુવાને ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ ઘટનાને કારણે એક કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ નશામાં ચકચૂર યુવાન રસ્તા પર વાહન ચાલકો સાથે ટકરાતો હતો. તે દરેક સાથે દાદાગીરી કરી રહ્યો હતો. યુવાને બેંકની કેશ વાનને અટકાવી તેના કાચ પર મુક્કા મારતા, વાનમાં રહેલા સિક્યુરિટી ગાર્ડે તેને પકડીને સબક શીખવ્યો હતો.
યુવાનની દાદાગીરી અહીં અટકી નહોતી. તેણે એસ.ટી. બસ અને લક્ઝરી કાર સાથે પણ અથડામણ કરી હતી. રાહદારીઓએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમની સાથે પણ મારામારી કરી હતી. છેવટે એક રિક્ષા સાથે અથડામણ થતાં યુવાન રસ્તા પર પટકાયો અને બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો રાહદારીઓએ મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વાપી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

