ધરમપુર: ધરમપુરના આસુરા માન નદી સહિતના ભારે વાહનની અવરજવરથી બંધ બ્રિજની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવાની માગ જિલ્લા કોંગ્રેસ આઉટરિચના પ્રમુખે કરી છે. ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈ ધરમપુર તાલુકામાં આસુરા નદી પર સહિતના કેટલાક બ્રિજ સાવચેતીના ભાગરૂપે ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયા હતા.જેથી ભારે વાહનો અન્ય વિકલ્પરૂપી રસ્તા પરથી અવરજવર કરી રહ્યા છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ આઉટરિચ સેલ પ્રમુખ અને આંબાતલાટના યુવક રાહુલ પટેલે જણાવ્યું હતું કે,ચોમાસા દરમ્યાન ખરાબ રસ્તાને લઇ ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયા હતા.
હવે ચોમાસું પુરુ થયું છે,ત્યારે ભારે વાહનો માટે બંધ કરેલા આ તમામ બ્રિજની મજબુતાઇ,નવા બ્રિજ સહિતની જરૂરી કાર્યવાહી અત્યારથી શરૂ કરવામાં આવે.આ ઉપરાંત તેમણે ભારે વાહનોની બંધ અવરજવરથી બ્રિજની અન્ય તરફ આવેલી દુકાનોના વેપાર,ધંધા પર પણ અસર થઈ રહી હોવાનો દાવો કર્યો હતો. NHAI PIU એકતાનગર તરફથી Decision News ને મળેલી માહિતી મુજબ ગંભીરા પુલ દુર્ઘટના બાદ વાંસદાથી વાપી સુધી NH-56 રસ્તા પરના આંબાતલાટ, આસુરા, પાર નદી તથા કોલક નદી મળી ચાર પુલ બંધ કરવામાં આવ્યા છે. પ્રજાકીય સલામતીને ધ્યાને લઇ નિરિક્ષણ કરી NH-56 ઉપર બોડેલીથી વાપી સુધીમાં આવતા કેટલાક પુલ ભારે વાહનો માટે બંધ કરાયા છે.
ભારે વાહનો માટે હાલ NHAI PIU એકતાનગરમાં આવતા NH-56 ઉપરના પુલોની મજબૂતાઇનું પરિક્ષણ IITમુંબઈ ધ્વારા કરાઇ રહ્યું છે. જેમાં NDT ટેસ્ટ, અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસોટી ટેસ્ટ , કોર કટિંગ અને MBIU ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી પુલમાં નીકળતી ખામીઓને દુરસ્ત કરી તમામ પુલ ભારે વાહનો માટે ખોલાશે.આ ટેસ્ટીંગ હાલ NHAI ધ્વારા બોડેલીથી માંડવી,કાકરાપાર સુધી થયું છે. અને સતત કામગીરી ચાલુ છે. હવે પછી આંબાતલાટ, આસુરા, પાર નદી અને કોલક નદી પરના પુલનું ટેસ્ટીંગ ટૂંક સમયમાં થશે.

