નવસારી: જલાલપોરના મટવાડ ગામે એક શિક્ષણ સંસ્થામાં પાણી માટે લવાયેલા નંબર વગરના ટેન્કર ઉપર કોઈપણ સેફ્ટીના સાધનો વગર છાત્રો મુસાફરી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.જેની સામે અનેક સવાલો ઊભા થયા છે. જલાલપોરના મટવાડ વિસ્તારમાં ખાનગી શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.

સામાન્ય રીતે પાણી પુરવઠો અથવા માલ-સામાનના વહન માટે ઉપયોગમાં લેવાતા ટેન્કરનો હવે વિદ્યાર્થીઓના પરિવહન માટે પણ ઉપયોગ થઈ રહ્યો છે.આ આરટીઓ રજિસ્ટ્રેશન વગરના ટેન્કરમાં ખાસ કરીને મટવાડ ખાનગી પોલિટેકનિકના વિદ્યાર્થીઓને, જીવના જોખમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. જેનો વીડિયો વહેતો થતા અનેક પ્રશ્ન ઊભા થયા છે. જો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની ? આવા અનેક સવાલોને લઇ ભારે ચર્ચા ઉઠી છે.

આ પ્રકારે નિયમોનો ભંગ કરતા અને વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મુકતા વાહન માલિકો સામે તંત્ર દ્વારા સખત કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે. સ્થાનિક પોલીસ અને આરટીઓ અધિકારીઓએ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ધોરણે આ વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સમગ્ર ઘટનાએ વાહન સુરક્ષા અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here