ભરૂચ: પીએમ શ્રી કૃષ્ણ આશ્રમશાળાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. શાળાએ પ્રથમવાર વિદ્યાર્થીનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની રમત પંચક સિલાટ માટે તૈયાર કરી. આ દીકરીઓએ અસ્મિતા પંચક સિલાટ લીગ 2025-26માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.6-7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી સ્પર્ધામાં ધોરણ 5થી 10ની 100થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો.
Decision News ને મળેલી માહિતી મુજબ 18 અલગ કેટેગરીમાં શાળાએ 5 ગોલ્ડ, 11 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. આ ખેલાડીઓ હવે કર્ણાટકમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપ 2025માં ભાગ લેશે.શાળાના આચાર્ય રંજનબેન વસાવાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ અને કોચ પાસે તાલીમ અપાવી. PMSHRI યોજના હેઠળ દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન ધરાવતી આ શાળાને સમગ્ર શિક્ષા ગાંધીનગર તરફથી સ્પોર્ટ્સ કિટ અને તાલીમના સાધનો મળ્યા છે.
શાળામાં વર્ષ દરમિયાન 60થી વધુ પ્રવૃત્તિઓ યોજાય છે. આચાર્ય, શિક્ષકો અને કોચનું મુખ્ય લક્ષ્ય દીકરીઓને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનું છે. તેમના મતે યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો કોઈપણ બાળક અસામાન્ય સિદ્ધિ મેળવી શકે છે.પંચક સિલાટ દક્ષિણ-પૂર્વ એશિયાની પરંપરાગત માર્શલ આર્ટ છે. તે ઇન્ડોનેશિયા, મલેશિયા, બ્રુનેઈ, સિંગાપોર અને ફિલિપાઇન્સમાં લોકપ્રિય છે. એશિયન ગેમ્સમાં સામેલ આ રમત હવે ભારતમાં ખેલો ઈન્ડિયા મારફતે ઝડપથી લોકપ્રિય બની રહી છે.

