ગુજરાત વિધાનસભા: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, જનતામાં વિશ્વાસની જગ્યાએ અવિશ્વાસ વધે એ રીતનો ‘જન વિશ્વાસ વિધેયક’ કાયદો સરકારે બનાવ્યો છે. ‘જન વિશ્વાસ વિધેયક’ હકીકતમાં ‘જન અવિશ્વાસ વિધેયક’ છે.
ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો, અમે તેનો પુરજોર વિરોધ કર્યો છે. જનવિશ્વાસ વિધાયકનો મેં ભરપૂર વિરોધ કર્યો, પરંતુ બહુમતીના જોરે ભાજપે કાયદો પાસ કરાવ્યો છે. વિધાનસભામાં ખેડૂત વિરોધી, ગામડા વિરોધી અને સહકારી ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા પ્રમાણે સહકારી મંડળીમાં જો કોઈ ખોટા પુરાવાના આધારે સભ્યથી લઈને ચેરમેન કંઈ પણ બનશે તો તેને જેલની સજા કરવામાં આવશે નહીં અને ફક્ત 5,000નો દંડ કરવામાં આવશે, આ બાબતનો મેં ખૂબ જ વિરોધ કર્યો હતો. જો કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ આપીને સભાસદ કે પછી ચેરમેન પણ બને તો તેને જેલમાં નાખવો જોઈએ.
ખોટા ડોક્યુમેન્ટમાં ખેડૂતોના નામે ખોટી લોન પણ લેવાય છે. હવે નવા કાયદા પ્રમાણે ખોટા ડોક્યુમેન્ટ આપનાર જો તમામ ડોક્યુમેન્ટ અને રેકર્ડ જો કોઈ ગાયબ કરી દે તો જેલની સજાની જગ્યાએ ફક્ત દંડ કરવામાં આવશે. નવા કાયદા પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરનારને પણ જેલની જગ્યાએ ફક્ત 50,000નો દંડ કરવામાં આવશે, આનાથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓની હિંમત વધશે.

