અંકલેશ્વર: ભારે વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી બંધ કરાયેલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો છે. વરસાદને કારણે માર્ગ પર કાદવ-કીચડ ભરાઈ જવાથી તેને બંધ કરવામાં આવ્યો હતો.
વાહનચાલકો હવે અંકલેશ્વર નજીકના પુન ગામથી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી શકશે. વડોદરાથી સુરત તરફ જતા વાહનચાલકો પુન ગામ નજીકથી એક્સપ્રેસ વે પરથી ઉતરી શકશે. ત્યાંથી તેઓ અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે.
સુરતથી વડોદરા તરફ જતા વાહનચાલકો સ્ટેટ હાઈવે પરથી અંકલેશ્વરના પુન ગામ થઈને એક્સપ્રેસ હાઈવે પર જઈ શકશે. આ માર્ગના પુનઃપ્રારંભથી ભરૂચ અને અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે. ટ્રાફિક વ્યવસ્થા માટે પુન ગામ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

