ગુજરાત: ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસુ સત્ર દરમિયાન વાંસદા–ચીખલીના ધારાસભ્ય એ આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાની દયનીય સ્થિતિને લઇ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા હતા.ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસુ સત્ર દરમિયાન વાંસદા–ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી વિસ્તારોમાં “નલ સે જલ” યોજનાની દયનીય સ્થિતિને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પ્રશ્નોતરી દરમિયાન અનંત પટેલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને સીધી પૂછપરછ કરી હતી કે, વલસાડ અને તાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નલ સે જલ યોજનામાં કેટલી ગ્રાન્ટ ફાળવાય ? કેટલો ખર્ચ થયો ? તથા ભ્રષ્ટાચારની કેટલી ફરિયાદો મળી ?તેના જવાબમાં મંત્રીએ સ્વીકાર્યું કે વર્ષ 2023-24માં વલસાડ જિલ્લામાં રૂ. 611.64 લાખ તથા 2024-25માં રૂ. 73.24 લાખ ખર્ચાયા. જ્યારે તાપી જિલ્લામાં 2023-24માં રૂ. 449.38 લાખ અને 2024-25માં રૂ. 232.35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચારની એક ફરિયાદ નોંધાઈ હોવાનું પણ મંત્રીએ કબૂલ્યું, જ્યારે તાપીમાં એકેય ફરિયાદ મળી ન હોવાનું જણાવ્યું હતું.અનંત પટેલે આ આંકડાઓ સામે મૂકી કડક રજૂઆત કરતાં જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજના માટે કરોડો રૂપિયા ફાળવાઈ રહ્યા છે, ખર્ચાઈ રહ્યાં છે, છતાં હકીકતમાં ઘર-ઘર પાણી પહોંચતું નથી. લોકો હજી પણ પાણી માટે હેરાન-પરેશાન છે. યોજના ભ્રષ્ટાચારનો ભોગ બની રહી છે.આ મુદ્દે વિધાનસભામાં સરકારને કઠોર શબ્દોમાં ઘેરતા અનંત પટેલે આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાની વાસ્તવિક અમલવારી પર સવાલો ઊભા કર્યા હતા.

