ઉમરગામ: ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. કચેરીના ઈ-ધારા વિભાગમાં છત પરથી અચાનક પ્લાસ્ટરનું પોપડું તૂટી પડયું હતું. આ ઘટના દરમિયાન કર્મચારીઓએ તાત્કાલિક કચેરી છોડી દીધી હતી.કચેરીની જર્જરિત સ્થિતિને જોતાં સરકારે પહેલેથી જ નવી બિલ્ડિંગનું નિર્માણ શરૂ કર્યું છે.
કોસ્ટલ હાઇવે પર બની રહેલી આ નવી કચેરી હવે લગભગ પૂર્ણ થવાના આરે છે.ઘટના સમયે કચેરીમાં નિયમિત કામકાજ ચાલી રહ્યું હતું. પ્લાસ્ટર પડતાં જ કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. થોડા સમય બાદ સફાઈ કરીને કામકાજ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકો અને કર્મચારીઓએ વહેલી તકે નવી બિલ્ડિંગમાં સ્થળાંતર કરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, જૂની બિલ્ડિંગમાં કામ કરવું જોખમી બની ગયું છે. નવી કચેરીમાં સ્થળાંતર થવાથી સલામત વાતાવરણમાં કામગીરી થઈ શકશે.

