ભરૂચ: વાગરા તાલુકાના એક ગામમાં રહેતાં 9 માસના બાળક માટે 108 એમ્બયુલન્સની ટીમ દેવદૂત બનીને આવી હતી. બાળક રમતી વેળા માછલી ગળી ગયો હતો અને માછલી ફસાઇ જતાં તેને લોહીની ઉલટીઓ થવા લાગી હતી. બાળકને વાગરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ ભરૂચ સિવિલમાં રીફર કરાયો હતો.108ની ટીમે વાગરાથી ભરૂચ આવતાં સુધી 20 મિનિટ સુધી બેક બ્લો આપીને બાળકના શરીરમાં ફસાયેલી માછલીને બહાર કાઢી હતી.
વાગરા તાલુકામાં નવ મહિનાના બાળકના ગળામાં નાની માછલી ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ગળામાં માછલી ફસાતા બાળકને લોહીની ઉલટી થવા લાગી હતી તથા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી. આ સ્થિતિને પગલે બાળકને વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરાયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના ઇએમટી સોનલ માલીવાડ અને પાઈલટ કૃષ્ણપાલસિંહ રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને ભરૂચ સિવિલ ખાતે લાવવા માટે રવાના થયાં હતાં.
Decision News ને મળેલી જાણકારી મુજબ ઇએમટી સોનલ માલીવાડે તાલીમના આધારે ડૉ. કુરેશીની સલાહ મુજબ સતત 15 થી 20 મિનિટ સુધી બેક બ્લો આપતી રહી હતી. બાળકને શ્વાસમાં રાહત મળતાં તેને ઓક્સિજન સપોર્ટ અને વાયટલ મોનિટરિંગ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.ઇએમટીની સુઝબુઝ અને કુશળ કામગીરીથી નવ મહિનાના બાળકનો જીવ બચી ગયો હતો. આ સરાહનીય કામગીરી બદલ સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ દર્દીના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો. અને કામગીરીની સરાહના કરી હતી.

