પારડી: પારડી તાલુકામાં મધરાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. સુરતના કુંજ નાયક અને તેમના મિત્રો મુંબઈના લાલબાગથી પરત ફરી રહ્યા હતા. બગવાડા ટોલનાકા પાસે ટોયોટા રૂમીયમ કારમાં સવાર પાંચ શખ્સોએ તેમની અર્ટીગા કારનો પીછો શરૂ કર્યો હતો.
આરોપીઓએ ફરીયાદીની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ કારની બાજુમાં આવીને કાચ પર પાનો માર્યો હતો. આ હુમલામાં અર્ટીગા કારનો બાજુનો કાચ તૂટી ગયો હતો. Decision News ને મળેલી માહિતી મુજબગભરાયેલા ફરિયાદી અને તેના મિત્રો ચીખલી પુલ પાસે કાર છોડીને છુપાઈ ગયા.તેમણે તરત જ 112 પર ફોન કરીને મદદ માંગી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓમાં હાર્દિક ધોરાજીયા (24), ઇમરાન મજીદ શેખ (33), સમીર અલી શેખ (25), સલયેબ અલી શેખ (19) અને જય ભીમાણી (19)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી વાહનનો પીછો કરી હુમલો કરવાનો ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના કાર ભાડે આપનાર વ્યક્તિ સાથેના વિવાદને કારણે બની હોઈ શકે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

