વલસાડ: વલસાડ જિલ્લાના કાજણરણછોડ સાળગપુર ફાટક પરશોત ફળિયામાં ગણપતી વિસર્જન બાદ એક અકસ્માત સર્જાયો છે. આઇસર ટેમ્પો ચાલક વિજય પટેલ પુરઝડપે વાહન હંકારી રહ્યો હતો. ટેમ્પામાં મુકાયેલ ડીજેની ચેનલ ઝાડ સાથે અથડાતા વાહન રસ્તાની સાઇડમાં ઉતરી ગયું હતું.
ટેમ્પાના પાછળના ભાગે બેઠેલા રોનક કાકવા (ઉ.21) પર ડીજેની ચેનલ પડી જતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. રોનક અને તેની સાથે બેઠેલા આશિષ કાકવા (ઉ.19)ને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રોનકને સાંજે 7:48 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આશિષને માથા, ખભા, પગ અને હાથ પર ઈજાઓ થતાં તેની સારવાર ICUમાં ચાલી રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ટેમ્પામાં સવાર ચિરાગ ઠાકોર અને વિકેશ કાકવા સુરક્ષિત બચાવ થયો. મૃતક રોનકના પિતા જયેશભાઈ કાકવાએ ટેમ્પો ચાલક વિજય પટેલ વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી કાજણરણછોડ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

