વાંસદા: વાંસદામાં પંથકમાં જુની કચેરી પાછળની વસાહતમાં રહેતો 26 વર્ષીય યુવાન બોરવેલના કામમાં ગયા બાદ કામ ફાવતા નહીં આવતા પરત આવતી વખતે નવસારી રેલવે સ્ટેશન ઉપરથી ગુમ થયાના 25 દિવસ બાદ પણ કોઈ લાપતા છે.વાંસદા પંથકમાં કૃષ્ણકુંજ સોસાયટીની બાજુમાં જય અંબેનગર ફળિયામાંથી આશરે 4 વર્ષ પહેલા 20 વર્ષીય યુવાન રાજેશ ઉર્ફે (ઠીંગુ) પોટ્યાભાઈ પટેલ મહેસાણા વિસ્તારમાં બોરવેલના કામમાં મજૂરીએ ગયો હતો. જ્યાંથી તે ગુમ થયા બાદ આજદિન સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી.
હાલમાં આવો જ કિસ્સો ફરી આ જ ફળિયામાં રહેતો 26 વર્ષીય યુવાન જીતુ શંકરભાઈ રાઠોડ સાથે બન્યો છે. જીતુ ફળિયામાં જ રહેતા રોહિત નામના યુવાન સાથે 11 ઓગસ્ટ 2025ના રોજ ઘરેથી રાજસ્થાન બોરવેલમાં મજૂરી કામે ગયો હતો.જ્યાં તેને ફાવટ નહીં આવતા ઘરે પરત જવાનું નક્કી કરી 15 ઓગસ્ટના રોજ ધરમપુરના ખાંડા-ભવાડામાં રહેતા જયેશ મણીલાલ પટેલ સાથે રાજસ્થાનથી મુંબઈ-બાંદ્રા ટ્રેનમાં બેસી રાત્રે 2 વાગ્યાના અરસામાં નવસારી સ્ટેશનને ઉતર્યો હતો. જયેશ પટેલ વોશરૂમ જતા જીતુ રાઠોડ ક્યાંક ચાલી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.જીતુના મા-બાપ ન હોય તેમના મોટા પપ્પાના ઘરે રહી છૂટક મજૂરી કરતો હતો.
Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ જીતુની ઘણી શોધખોળ બાદ પણ તે ક્યાંય પત્તો મળ્યો ન હતો.આ ઘટના અંગે નવસારી રેલવે પોલીસમાં લેખિત જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી જીતુ અહીં ઉતર્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે ? જીતુ ગુમ થયાને 25 દિવસ થવા છતાં કોઇ ભાળ મળી નથી.

            
		








