દક્ષિણ ગુજરાત: હવામાન વિભાગના ડાયરેક્ટર, ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ બાદથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે.
આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન આગામી 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 09 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું બેઠકમાં જણાવ્યું હતું. દમણગંગા નદીના મધુબન જળાશયમાં હાલ પાણીનું સ્તર 75.90 મીટર અને આવક 13193 ક્યુસેક જ્યારે જાવક 12568 ક્યુસેક રહ્યું છે.

