સુરત: સુરત જિલ્લાના ઉમરપાડાની મુખ્ય બજારમાં આવેલી એક ફૂટવેરની દુકાનમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.
આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ આગ હોલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની આ ઘટનામાં દુકાનમાં રહેલો તમામ ફૂટવેરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

