નવસારી: નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. એક જ દિવસમાં આઠ અલગ-અલગ સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. કુલ 94,43,190 રૂપિયાની છેતરપિંડી થઈ છે.વાંસદામાં એક વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 1.53 લાખની છેતરપિંડી થઈ.
ધર્મેન્દ્રસિંહ સોલંકી નામના વેપારીએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ગુગલ-પે દ્વારા પૈસા મેળવ્યા હતા.ખેરગામના રૂમલા ગામના 19 વર્ષીય વિદ્યાર્થી વિશ્વજીત પટેલે ઇન્સ્ટાગ્રામ પરથી મોબાઈલ ખરીદવા જતાં 11,766 રૂપિયા ગુમાવ્યા.ગણદેવીના ઉંડાચ ગામમાં મિતલબેન કોળી પટેલ સાથે બનાવટી RTO એપ દ્વારા 79,560 રૂપિયાની છેતરપિંડી થઈ.
નવસારી શહેરમાં એક મહિલાના નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા. વિજલપોરમાં SBI YONO એપના નામે નિલેશકુમાર પટેલ પાસેથી 50,000 રૂપિયા પડાવી લેવાયા.ચીખલીમાં વેપારી સુધીરભાઈ પટેલને QR કોડ સ્કેન કરાવી 99,000 રૂપિયાનું નુકસાન કરાયું. ગણદેવીમાં અબ્દુલ સલામ શેખ સાથે વર્ક વિઝા રિન્યુઅલના બહાને 3,52,000 રૂપિયાની છેતરપિંડી થઈ. પોલીસે તમામ કેસોમાં ગુના નોંધી તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.