ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઉપરાછાપરી થતાં અકસ્માતોથી તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.વિતેલા બે દિવસો દરમિયાન લાગલગાટ થયેલ ત્રણ અકસ્માતોમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી,જ્યારે અન્ય અકસ્માતમાં ઝઘડિયાથી આગળ રાણીપુરા ગામ નજીક રોડ પર ઉભેલી ટ્રક પાછળ એક મોટરસાયકલ ઘુસી જતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું.
આ જીવલેણ અકસ્માતની મળતી વિગતો મુજબ હાલ અંકલેશ્વર ખાતે રહેતો મુળ બિહારનો સૌરભ યોગેન્દ્ર મંડલ નામનો 21 વર્ષીય યુવક તા.31 મીના રોજ અંકલેશ્વરથી મોટરસાયકલ પર ઝઘડિયા આવવા નીકળ્યો હતો,તે દરમિયાન રાતના સાડા નવ વાગ્યાના અરસામાં તે ગુમાનદેવથી આગળ ઝઘડિયા તરફના માર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રાણીપુરા ગામ નજીક રોડ પર ઉભેલી એક હાઇવા ટ્રક સાથે સૌરભની મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.આ અકસ્માતમાં સૌરભને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઇજાઓ થઇ હતી.ઇજાગ્રસ્ત સૌરભને એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે સૌરભને મરણ પામેલ જાહેર કર્યો હતો.
પોલીસ ફરિયાદ મુજબ સદર હાઇવા ટ્રક કોઇપણ જાતની સિગ્નલ નિશાની મુક્યા વિના તેમજ સિગ્નલ લાઇટ ચાલુ કર્યા વિના રોડ પર ઉભેલી હોઇ,તેથી સૌરભની મોટરસાયકલ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. Desicon News ને મળેલી માહિતી મુજબ અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના ભાઇ સનીકુમાર મંડલ હાલ રહે.જીતાલી અંકલેશ્વર અને મુળ રહે.બિહારનાએ ઝઘડિયા પોલીસ મથકમાં હાઇવા ટ્રકના ચાલક સામે ફરિયાદ લખાવી હતી.

