વલસાડ: વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલા ગણેશ મંડળમાં વલસાડ રૂરલ PI ભાવિક જિતિયાએ વિશેષ હાજરી આપી હતી. તેમણે શ્રીજીના દર્શન કરી આરતી કરી અને ગણેશ ભક્તોને ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. PI જિતિયાએ ગણેશ ઉત્સવને યુવાનોની એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે મંડળના સભ્યોને ફળિયાની સુંદરતા જાળવવા અને જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે સદા તત્પર રહેવા અનુરોધ કર્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન તેમણે સાઇબર ક્રાઇમ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હેકર્સ લોભામણી સ્કીમો અને સોશિયલ મીડિયા લિંક દ્વારા લોકોની વ્યક્તિગત માહિતી મેળવી છેતરપિંડી કરે છે. વધુમાં, કેટલાક લોકો ખોટા વીડિયો કોલ કરી ડિજિટલ એરેસ્ટની ધમકી આપી પૈસા પડાવે છે.
PI જિતિયાએ લોકોને આવા કોઈપણ શંકાસ્પદ કોલ કે પ્રવૃત્તિની તરત જ પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. તેમણે ફળિયાના લોકોને એકબીજાની મદદથી સાઇબર ક્રાઇમનો ભોગ બનતા અટકવાની સલાહ આપી હતી. કાર્યક્રમના અંતે, સ્થાનિક લોકો અને મંડળના સભ્યોએ પારનેરા ડુંગર પરની ચોરીના કેસમાં ઝડપી કાર્યવાહી બદલ PI જિતિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

            
		








