ભરૂચ: ભરૂચમાં પર્યાવરણના જતન અને લોકોની તંદુરસ્તી માટે સન્ડે ઓન સાયકલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત રવિવારે પોલીસ જવાનો બાદ આ રવિવારે શહેરીજનો માટે સાયકલાથોન યોજવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત રવિવારે સન્ડે ઓન સાઇકલ અભિયાન હેઠળ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કલેક્ટર કચેરીથી સાયકલ રેલીનો પ્રારંભ થયો.જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને મામલતદાર માધવી મિસ્ત્રીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું. આ અધિકારીઓ પણ રેલીમાં જોડાયા હતા.
સાયકલ રેલી શહેરના શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ, શાલીમાર હોટલ અને સ્ટેશન સર્કલ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. રેલી સિવિલ હોસ્પિટલ રોડ થઈને કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થઈ હતી.કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે. સાથે આરોગ્ય માટે સાયકલિંગને પ્રોત્સાહન અને ફિટ ઈન્ડિયા અભિયાનને મજબૂતી આપવાનો પણ ઉદ્દેશ છે.