નવસારી: નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56, જે વાપી-શામળાજી હાઇવે તરીકે ઓળખાય છે, તે દર ચોમાસે જર્જરિત થઈ જાય છે. આ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં સ્થિતિમાં સુધારો થયો નથી.સાંસદ ધવલ પટેલે જણાવ્યું છે કે કરોડોના ખર્ચે હાઇવેનું નિર્માણ કાર્ય મંજૂર થયું છે, જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી વર્ષોમાં કામ શરૂ થશે.

Decision News ને મળેલી માહિતી મુજબ વ્યારા જિલ્લાની સરહદ પૂરી થતાં નવસારી જિલ્લાના વાંસદાની હદ શરૂ થાય છે, ત્યાંથી વાંસદા ટાઉન સુધીનો આ હાઇવે જર્જરિત છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા યથાવત છે. નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) ને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.ગયા વર્ષે સાંસદ ધવલ પટેલે જાતે NHAI અધિકારીઓને હાઇવે પર લાવીને સ્થિતિનો ખ્યાલ આપ્યો હતો, તેમ છતાં આ વર્ષે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

આ હાઇવે પરથી મોટા ટ્રકો અને ટ્રેલર પસાર થાય છે, જેમાં માલસામાન ભરેલો હોય છે. જો ટ્રક પલટી જાય કે અકસ્માત થાય તો ટ્રક ચાલકને મોટું નુકસાન થઈ શકે છે. વાહનચાલકોમાં એવી ચર્ચા છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટેન્ડર કરનાર એજન્સી પાસેથી યોગ્ય રીતે કામ લેવામાં આવતું નથી, જેના કારણે હાઇવે પર હલકી ગુણવત્તાનું કામ થાય છે અને દર વર્ષે વરસાદમાં હાઇવે તૂટી જાય છે.વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ જણાવે છે કે આ મામલે મેં ઉપર રજૂઆત કરતા કરોડોના ખર્ચે આ હાઇવે ના નવ નિર્માણનું કામ મંજુર થયું છે જે આગામી સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ થશે જેથી સ્થાનિક લોકોને હાઇવેમાં પડતી જ હાલ મુસીબત છે તે ટૂંકા સમયમાં હલ થવા જઈ રહી છે.