ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે દહેજ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરી અને એ.એચ.છેયાની ટીમે બાતમીના આધારે વડદલા અને જોલવા ગામમાં દરોડા પાડયા હતા.
વડદલા ગામમાંથી શંભુલાલ બંસીલાલ ભીલ અને જોલવા ગામમાંથી શશી જદુ કેવટને પકડી પાડ્યા છે.બંને આરોપીઓ પોતાની દુકાનમાં એક ગેસ સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા. પોલીસે વિવિધ કંપનીના ભરેલા અને ખાલી ગેસ સિલિન્ડર, રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રોનિક વજનકાંટા સહિત કુલ 40,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આરોપીઓએ બેદરકારીપૂર્વક જવલનશીલ ગેસનું રિફિલિંગ કરી પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી. દહેજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 287 અને 125 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.











