કપરાડા- દાનહ: સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા 211 મંડળોને ગણેશજીની મૂર્તિ વિતરણ પ્રસંગે હાજર રહેલા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કહ્યું કે ગણપતિ બાપાની સ્થાપના માત્ર ધાર્મિક ભાવના પૂરતી નથી, પરંતુ સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો સાચો ઉદ્દેશ પણ છે,
વધુમાં જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંગ્રેજ શાસન દરમિયાન હિન્દુ સમાજને એકત્ર થવા પર પ્રતિબંધ હતો, ત્યારે લોકમાન્ય તિલકે ગણપતિ મહોત્સવ દ્વારા એકતા અને રાષ્ટ્રભાવના જાળવવાનો અનોખો માર્ગ અપનાવ્યો હતો. આજે આ પરંપરા માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘેરઘેર ઉજવાય છે.
ગણપતિ પૂજા દરેક શુભકાર્યનો આરંભ છે અને યુવા મંડળો આ પરંપરાને સમાજ સાથે જોડીને જાળવી રહ્યા છે, એ અત્યંત પ્રશંસનીય છે. સમાજમાં એકતા, પ્રેમ અને રાષ્ટ્રીય ભાવનાનો સંદેશ પણ મજબૂત બને છે. આ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.











