અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ દરમિયાન ગઈકાલે સાંજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. નર્મદા નદી કિનારે માછીમારી કરી રહેલા ત્રણ યુવાનો પર વીજળી પડી હતી. આ ઘટનામાં નવા દિવા ગામના પટેલ ફળિયાના 20 વર્ષીય દેવ સુંદર વસાવાનું મોત નિપજ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના સમયે દેવ સુંદર વસાવા સાથે નટવર ભાયલાલ વસાવા અને નટવર અભેસિંહ વસાવા પણ હાજર હતા. વીજળી પડવાથી બંને યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલમાં તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપુતે જણાવ્યું કે યુવાનો માછીમારી દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. સાંજના સમયે ધોધમાર વરસાદ અને ગાજવીજ થઈ રહી હતી. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. અંકલેશ્વર શહેર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.