ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયા-વાડી માર્ગ પર ડહેલી ગામ નજીક કિમ નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદી પર બનાવાયેલ ડાઈવર્ઝન ગુરુવારે રાત્રે ધોવાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
ગતરોજ આ ડાઈવર્ઝનની મરામત માટે હાઈદ્રા અને પોકલેન મશીનની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોડી સાંજે કામગીરી દરમિયાન અચાનક પોકલેન મશીન નદીમાં પલટી ગયું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નસીબજોગે પોકલેન ચાલકનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ભારે જહેમત બાદ પોકલેન મશીનને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.











